અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં આડેધડ ગોળીબારની ઘટના થી અફરાતફરી, ૧ નું મોત, ૧૬ ઘાયલ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ પણ ફાયરિંગની ઘટનાઓ અટકી રહી નથી. વહેલી સવારે અલાબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં આડેધડ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 16 લોકો ઘાયલ થયા હતા.
ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ, હુમલાખોરની ધરપકડ
પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારમાં મૃત્યુ પામેલો 18 વર્ષીય યુવાન યુનિવર્સિટીનો વિદ્યાર્થી નહોતો, પરંતુ ઘાયલોમાં યુનિવર્સિટીના ઘણાં વિદ્યાર્થીઓ સામેલ છે. હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ફાયરિંગની ઘટનામાં કુલ 12 લોકો ઘાયલ થયા હતા જ્યારે અન્ય ચાર અફરાતફરીમાં ઘાયલ થયા હતા.
યુનિવર્સિટીએ નિવેદન જાહેર કર્યું
ટસ્કેગી યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું કે ગોળીબારમાં મૃત્યુ પામેલા વ્યક્તિના માતા-પિતાને જાણ કરી દેવામાં આવી છે. ટસ્કેગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા અને તેઓને ઓપેલિકાના પૂર્વ અલાબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમેરીની બેપ્ટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.