જુઓ , અમદાવાદના બોપલમાં ઈસ્કોન પ્લેટિનમમાં લાગી વિકરાળ આગ , ૨૦૦ લોકોનો બચાવ અને ૧ મૃત્યુ
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. 22 માળની બિલ્ડિંગ ઈસ્કોન પ્લેટિનમના M વિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગના 10માં માળે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી હતી. આગ લાગતા જ ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. 50 જેટલા ફાયર જવાનો ઘટના સ્થળે આગ બુજાવવા અને બચાવની કામગીરીમાં લાગ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આમ, કુલ 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. શોર્ટ સર્ટિક અથવા ફટાકડાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે. આગની આ ઘટનામાં એક મહિલાના મોતની પુષ્ટી થઇ છે. જેનું નામ મીનાબેન શાહ હોવાનું જાણવા મળી રહ્યું છે. 3 વેન્ટીલેટર પર છે. જ્યારે 23 લોકો હજુ સારવાર હેઠળ છે. 6 દર્દીને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.
આગ લાગતા એપાર્ટમેન્ટના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ફસાયેલા તમામ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે ત્રણ લોકોને ગૂંગળામણ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. એક મહિલા ગંભીર રીતે દાઝયા છે. ઘટનાને લઈને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા.