Former corporator son killed in presence of police at Sayaji hospital in Vadodara – વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં હત્યા : અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા
Vadodara News: વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 નજીક આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી. ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભાજપના પૂર્વ મેયર પક્ષના નેતા તેમજ પૂર્વ કોર્પોરેટરો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
જાણો શું છે મામલો
રવિવારે (17મી નવેમ્બર) રાત્રે નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારેબાદ વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભયલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે ઊભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા. ત્યારે બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને કોમના ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા.
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિક્રમ અને ભયલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર, તેમના પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. બંનેની સારવાર ચાલતી હતી, આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર ખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી.
સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઊભો હતો. આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી તલવાર સાથે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર હતું નહીં, પરંતુ પોલીસની પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને તલવાર આપી હોવાનું માનવામાં આવે છે.
માથાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ
સયાજી હોસ્પિટલમાં એક બાજુ ઘવાયેલા બે યુવકોને સારવાર આપવામાં આવી રહી છે, ત્યાં બીજી બાજુ બાબર પઠાણ નામના હુમલાખોરે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો બનતા નાગરવાડા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્નાબેન મોમાયા સમક્ષ સ્થાનિક રહીશોએ સમગ્ર બનાવની જાણકારી આપી હતી. માથાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી.
‘મારા દીકરા પર બાબર પઠાણે તલવારથી હુમલો કરી હત્યા કરી’
ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ જણાવ્યું હતું કે, ‘નાગરવાડા મેહેતા વાડીમાં ઝઘડો થયો હતો તે બાદ સરકારી સ્કૂલ પાસે ઝઘડો થતા વિક્રમ અને ભયલુને ગંભીર ઈજા થઈ હતી તે બંનેને સારવાર માટે હું અને મારો પુત્ર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. બંનેની સારવાર ચાલુ કર્યા બાદ તેના માતા-પિતાને મળ્યો હતો અને મારા દીકરાને કહ્યું હતું કે આ બંને યુવકની સારવાર થાય તે પછી તું ઘરે આવી જજે તેમ કહી ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન જ અચાનક એક યુવક મને ઘરે બોલાવવા માટે આવ્યો અને સયાજી હોસ્પિટલ પાછા આવવા જણાવ્યું હતું. જેથી હું સયાજી હોસ્પિટલ પહોંચ્યો જ્યાં મને મારા દીકરા પર બાબર પઠાણ નામના યુવકે તલવારથી હુમલો કરીને મારી નાખ્યો હોવાની જાણકારી મળી હતી.’
‘આરોપી પાસે તલવાર કેવી રીતે આવી’
રમેશ રાજાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, પોલીસની હાજરીમાં બાબર પઠાણને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં કઈ રીતે તલવાર આવી તે પણ એક તપાસનો વિષય છે, આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી. આ લઘુમતી કોમના યુવક બાબર પઠાણ માથાભારે વ્યક્તિ છે તેની સામે અનેક ગુનાઓ નોંધાયા છે અને પાસામાં પણ જઈ આવ્યો છે.’