જુઓ , તંત્રની બેદરકારી : સુરેન્દ્રનગરના કટુડા ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં પાણી ભરાયા
સુરેન્દ્રનગરના કટુડા ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં પાણી ભરાયા જીરા, એરંડા, અજમાના પાકને નુકસાન થવાનો ખેડૂતોનો આક્ષેપ સુરેન્દ્રનગરના કટુડા ગામની સીમમાં નર્મદા કેનાલમાં પાણી છોડાયા હતા.
આમ કેનાલ ઓવરફ્લો થતા વિસ્તારની આસપાસના અંદાજે સાતેક જેટલાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા.
આમ તંત્રની બેદરકારીને કારણે ખેતરમાં વાવેલુ જીરું ,એરંડા, અજમો જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાની થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
જિલ્લામાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
ત્યારે વઢવાણ તાલુકા ના કટુડા ગામની સીમમાં નર્મદા કેનાલમાં પાણી છોડાતા તંત્રની બેદરકારીને કારણે છલકાઈ જવાનો બનાવ બન્યો હતો.
જેથી રેલવે ટ્રેકની સીમ વિસ્તારની આસપાસના અંદાજે 7થી 8 જેટલાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા.
વઢવાણ તાલુકામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે અનેક વખત કેનાલો ઓવરફ્લો થતી રહે છે.
કટુડા ગામના ખેડૂત રાજેન્દ્રસિંહ જામભા ઝાલાએ જણાવ્યું હતું કે અગાઉ પણ 5 વખત કેનાલ ઓવરફ્લો થઈને પાણી છલકાયા હતા.
એક જ સીમના ખેતરોમાં છઠ્ઠી વખત નુકસાની થઇ છે.
મારે દોઢથી 2 લાખ રૂપિયાની નુકસાની થઇ છે.
આમ વારંવાર ઊભા પાકને નુકસાની થવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
પાણી છલકાતા આસપાસના સાતેક ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલા જીરુ, એરડા અને અજમાના પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના મોમાં આવેલ પાકરૂપી કોળીયો ઝૂંટવાઈ ગયો છે.
તંત્રની કામગીરી સામે અનેકો સવાલ ઊઠી રહ્યા છે.