ખેડૂતો નિરાશ : નટવરગઢ ગામની સીમમાં ગેરકાયદે બંધ કરાયેલો માર્ગ ખોલવા માંગ
મામલતદારના હુકમ છતાં માર્ગ નહીં ખૂલતા ખેડૂતો નિરાશ
લીંબડી તાલુકાના નટવરગઢ ગામની સીમમાં ખેતરોમાં જવાના માર્ગે ઉપર એક ખેડૂતે મહાકાય લાકડાનું થડ્યું આડું મૂકી રસ્તો બંધ કરી દીધો છે.
રસ્તો બંધ કરી દેવાતાં આગળના ખેતરો સુધી ખેડૂતો પહોંચી શક્તા નથી. જેના કારણે ખેડૂતોની ખેતપેદાશો ઉપર અસર પડી રહી છે.
માર્ગ બંધ હોવાને કારણે ખેડૂતો ટ્રેક્ટર કે સાંતી સંચ લઈ જઈ ખેતર સુધી શક્તાં નથી.
જગમાલભાઈ મેણિયા, શામજીભાઈ મેણિયાએ રસ્તો ખૂલ્લો કરાવવા મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી.
અરજીને અનુસંધાને રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસરે સ્થળ તપાસ કરી હતી.
તપાસના અંતે ગેરકાયદે રીતે માર્ગ બંધ કરાયો હોવાનું સામે આવ્યું હતું.
મામલતદારે હુકમ કરી તાત્કાલિક ધોરણે રસ્તો ખૂલ્લો કરી દેવાની લેખિત સૂચના આપી હતી.
અઢી મહિના પહેલાં મામલતદારે સૂચના આપી હોવા છતાંય આ લખાય છે ત્યાં સુધી રસ્તો ખૂલ્લો કરવામાં આવ્યો નથી.
રસ્તો બંધ કરનાર મામલતદારની નોટિસને ઘોળીને પી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
અરજદાર ખેડૂતોએ જણાવ્યું હતું કે રસ્તો બંધ રહેતા અમારા ચોમાસું પાકને અસર થઈ હતી.
શિયાળુ પાકના વાવેતરનો સમય થઈ ગયો છે.
મામલતદારની સૂચનાને પગલે પોલીસ બંદોબસ્ત સાથે રસ્તો ખુલ્લો કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.