સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં ફૂટપાથ ઉપરના અંદાજે ૧૫૦ થી વધુ દબાણ દૂર કરાયા
સંયુક્ત પાલિકા, પોલીસની હેન્ડલુમચોક, ટાવરચોક, પતરાવાળી ચોક, પરશુરામ સર્કલ, સહિતના વિસ્તારોમાં કાર્યવાહી
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો તેમજ ફૂટપાથ પરના દબાણોના કારણે લોકોને અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે.
આથી શનિવારે સુરેન્દ્રનગર-વઢવાણ- દૂધરેજ પાલિકા, સિટી એ ડિવિઝન અને ટ્રાફિક પોલીસે કામગીરી કરી હતી.
જેમાં શહેરના વિવિધ સ્થળોએથી ફૂટપાથ ઉપરના તેમજ લારીઓ સહિતના અંદાજે 165થી વધુ દબાણ દૂર કરાતા દબાણકાર્તાઓમાં દોડધામ મચી ગઇ હતી.
સુરેન્દ્રનગર-વઢવાણ સિટી વિસ્તારોમાં ગેરકાયદે દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાઓ સહિતની હાલાકીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર દ્વારા આવા દબાણો દૂર કર્યા બાદ થોડા જ દિવસોમાં ફરી આ દબાણો થઇ જતા હોય છે.
બીજી તરફ રસ્તા ઉપર સાથે સાથે શહેરમાં હવે ફૂટપાથો પર દબાણે પગપેસારો કર્યો છે.
દુકાનદારો પોતાની દુકાનની હદ બહાર પણ સામાન રાખવાની સાથે ફૂટપાથો પર દબાણો થતું હોવાનું ધ્યાને આવ્યું હતું.
પરિણામે શહેરના રસ્તાઓ અને ફૂટપાથો પરના ગેરકાયદે દબાણોના કારણે રાહદારીઓ, વાહનચાલકો તેમજ લોકોને પારાવાર હાલાકી પડી રહી છે.
જ્યારે શહેરી વિસ્તારના માર્ગો પર ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતોના પણ બનાવો વધી રહ્યા છે.
ત્યારે ટ્રાફિક અડચણરૂપ દબાણો સહિતની ગંભીરતાઓને લઇ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જેમાં જિલ્લા પોલીસવડા ડો. ગિરિશ પંડ્યાના માર્ગદર્શનથી સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પીઆઇ આર.એમ. સંગાડા, પીએસઆઈ સી.એ. એરવાડીયા, ટ્રાફિક પીએસઆઇ બી.એલ. બગડા, પાલિકાના મયુરસિંહ તેમજ કર્મચારીઓને સાથે એ ડિવિઝન સ્ટાફ, ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફે શનિવારે કાર્યવાહી કરી હતી.
જેમાં શહેરના ટાવરચોકથી હેન્ડલુમથી સીજે હોસ્પિલ રોડ, વાદીપરા ચોકથી જવાહર ચોક, પરશુરામ સર્કલ સહિતના સ્થળોએથી અંદાજે 150થી વધુ દબાણ દૂર કરાવ્યા હતા.
આ ઉપરાંત ટ્રાફિક અડચણ રૂપ પાર્ક કરેલા વાહનોને હાજર દંડ કરવામાં આવ્યા હતા.
જ્યારે 20 વાહનચાલક દંડ તેમજ સાથે કોઈ દુકાનદાર કે માલસામાન બહાર રાખવામાં આવ્યું હોય તેવા દુકાનધારકોને પાલિકા તરફ દંડ ભરવા મોકલી આપ્યા હતા.
ટ્રાફિક પોલીસ દ્વારા એકાએક દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાતા દબાણ કર્તાઓમાં દોડધામ મચી હતી.