થાન પંથકમાં ખનીજ દરોડા: રૂ. ૬૨.૫૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમોના જુદા જુદા સ્થળે દરોડા
થાન પંથકના અનેક વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હોવાની રાવ ઊઠી છે.
ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમોએ દરોડા કરતા જુદા જુદા સ્થળોએથી ખનીજના સાધનો, ડમ્પરો સહિત રૂ. 62.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતા ભૂમાફિયાઓમાં દોડધામ મચી હતી.
થાનગઢમાં અનેક પ્રકારના વિવિધ ખનીજો મળી આવતા હોવાથી ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય છે.
ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ગેરકાયદે ખાડા પર કાર્યવાહી કરી બુરવામાં આવ્યા હતા.
પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ ફરી આ ખાડાઓ ધમધમતા થયા હોવાની રાવ ઊઠી છે.
જ્યારે કેટલાક સ્થળોએ પણ છાનીછૂપીએ ખનીજનું ખનન અને વહન થઇ રહ્યું છે.
ત્યારે ભૂસ્તરશાસ્ત્રી સુરેન્દ્રનગરની ક્ષેત્રીય ટીમ દ્વારા કલેક્ટરની સૂચનાથી પોલીસ સ્ટાફ થાનગઢ સાથે સંયુક્ત ટીમ બનાવી થાનના રાવરાણી વિસ્તારમાં આકસ્મિક તપાસ કરાતા ખનીજ ચોરી કરતા તત્વોમાં નાસભાગ મચી હતી.
ઘટના સ્થળેથી 2 કૂવા પર ચરખી મશીનમાં ઉપયોગમાં લેવાતી 4 પાઇપ, એક ટ્રેક્ટર જનરેટર સાથેનો રૂ. 7,58,462નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
આ કાર્બોસેલ ખનીજના ગેરકાયદે ખાણકામમાં સંડોવાયેલા શખસો વિરૂધ્ધ ધોરણસરની પોલીસ ફરિયાદ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે કાર્બોસેલ ખનીજના ગેરકાયદે વહન બાબતે 1 ડમ્પર સહિત રૂ. 5 લાખનો મુદ્દામાલ કટારીયા ચેકપોસ્ટ ખાતે સીઝ કરાયો હતો.
આ ઉપરાંત થાનગઢ પોલીસ ટીમ સાથે સંયુક્ત તપાસ કરી કાર્બોસેલ ખનીજના ગેરકાયદે વહન કરતા 2 ડમ્પર સહિત રૂ. 50,00,000નો મુદ્દામાલ સીઝ કરાયો હતો.