અનિયમિત પાણીની સમસ્યાથી છુટકારો : ચાણપા પ્રાથમિક શાળામાં દાતા તરફથી પાણીનો બોર કરવામાં આવ્યો , વિદ્યાર્થીઓને હવે મળશે રાહત
ચોટીલા શહેરથી એકદમ નજીક આવેલા ચોટીલા તાલુકાના ચાણપા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીના 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ ગામની સરકારી શાળામાં ચોટીલા શહેરમાંથી પણ 20થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.
આ શાળામાં પાણી વિતરણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હતું.
પણ શાળામાં 150 વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિતના લોકોની જરૂરિયાત અને શાળાના પટાંગણમાં ઉછરી રહેલા વૃક્ષોને નિયમિત પાણી મળતું ન હતું.
જે બાબતની ચિંતા કરીને શાળાના આચાર્યએ ચોટીલામાં છેલ્લા વીસ વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા રામ-રહિમ ફાઉન્ડેશનને જાણ કરાતા સંસ્થા દ્વારા મૂળ ચોટીલાના અને હાલ અમદાવાદ રહેતા નિલેશભાઈ ખંધારનો સંપર્ક કરતા .
તેમણે ક્ષણ ભરનો પણ વિલંબ કર્યા વિના તરત જ આ સેવાનો લાભ લીધો હતો.
નિલેશભાઈના માતા હેમલતાબેન અંબાલાલભાઈ ખંધાર પરિવાર તરફથી આ શાળામાં બોર કરીને મોટર, પાઈપ, વાયર અને બોરની સુરક્ષા માટે પાક્કો ઓટલા સહિતનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો.
જેનું આજ રોજ ગીતા કુમારીજી મહાસતીજીના જન્મ દિવસે અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પાણીના બોરના લોકાર્પણ પ્રસંગે શ્રી ચાણપા ગામની પ્રાથમિક શાળામાં પધારેલ દાતા ઉર્વિબેન નીલેશભાઈ ખંધાર, નીલેશભાઈ અંબાલાલભાઈ ખંધાર અને તેમના સાથી મિત્ર પારસભાઈ ખંધાર, નીતાબેન ખંધાર, રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીનખાન પઠાણ, જ્યોતિબેન સીતાપરા, દિલાવરખાન પઠાણ, તસ્લીમબેન પટેલ, ઈમરાનખાન પઠાણ સહિતના મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
દાતા પરિવાર તથા આવેલા તમામ મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
નાના-નાના ભુલકાઓએ પ્રાર્થના અને ભજન ગાઈને મહેમાનોને આવકાર્યા હતા.
તેમજ દાતા નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધારના ગુરુ ગીતાકુમારીજીના જન્મ દિવસની ખુશીમાં શાળાના બધા બાળકોને અભ્યાસમાં ઉપયોગી તેવા રાઈટિંગ પેડ અને બિસ્કીટ આપી રાજી કરવામાં આવ્યાં હતા.
શાળા પરિવાર તેમજ આચાર્યએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો : ચાણપા પ્રાથમિક શાળામાં દાતા તરફથી પાણીનો બોર કરવામાં આવ્યો
રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા પરિવાર દ્વારા દાતા નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધારનું સન્માન પુષ્પ રૂપી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનોજભાઈ પંચાલ, ભરતસિંહ પરમાર, મહેન્દ્રભાઈ પ્રણામી, હિતેન્દ્રભાઇ વર્મા, આશાબેન પંચાલ અને દેવલબેન વ્યાસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.