જુઓ , સિરિયલ કિલરે અમદાવાદ-રાજકોટ સુધી ૧૨ ના જીવ લીધા , ભુવાનું મોત છતાં તપાસનો ધમધમાટ યથાવત
દારૂ-પાણીમાં સોડિયમ નાઇટ્રેટ આપી ખેલ ખલાસ કરતો, રાજકોટમાં પતિ-પત્ની-પુત્રનાં રિક્ષામાં જ પ્રાણપંખેરું ઊડી ગયાં
12 મે, 2023ના ‘દહાડ’ નામની એક વેબસિરીઝ રિલીઝ થઈ હતી.
આ વેબસિરીઝ રિયલ સિરિયલ કિલર સાયનાઇડ મોહન પર આધારિત બનાવવામાં આવી હતી.
વર્ષ 2004થી 2009 એમ સતત 6 વર્ષમાં સાયનાઇડ મોહને 32 યુવતીને પોતાનો શિકાર બનાવી હતી .
તેમને સાયનાઇડ આપી મોતને ઘાટ ઉતારી હતી.
ત્યારે અમદાવાદમાં ફરી આવો જ એક સિરિયલ કિલર સામે આવ્યો છે.
જેમાં આરોપી તાંત્રિક વિધિ કરતો અને પોતાના શિકારને શોધીને દારૂ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ આપી તેનો ખેલ ખલાસ કરી નાખતો હતો.
આરોપીએ કચ્છથી લઇને અમદાવાદમાં અત્યારસુધીમાં આવા 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, જેમાં તેના પરિવારના ત્રણ સભ્ય પણ સામેલ છે.
3 ડિસેમ્બરના રોજ તાંત્રિક વિધિથી ચાર ગણા રૂપિયા કરી આપવાના નામે મસાણી મેલડીનો મઢ ચલાવનાર તાંત્રિક અને મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી નવલસિંહ ચાવડાએ અમદાવાદના એક વેપારીની સોડિયમ નાઇટ્રેટ આપી હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.
જોકે તાંત્રિક સાથે ડ્રાઈવર તરીકે કામ કરતા તેના જ દૂરના સાળાને આ કામ કરવું ન હતું, જેથી તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી અને અમદાવાદની સરખેજ પોલીસે નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી.
જોકે 8 ડિસેમ્બર 2024ની સવારે રિમાન્ડ દરમિયાન તાંત્રિક નવલસિંહનું એકાએક ઢળી પડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
રિમાન્ડ દરમિયાન આરોપીએ અનેક ઘટસ્ફોટ કર્યા હતા, જેમાં તેણે અત્યારસુધીમાં કુલ 12 લોકોને સોડિયમ નાઇટ્રેટ પાણી અને દારૂમાં પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબૂલાત કરી હતી.
આરોપીએ અમદાવાદના અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 6, રાજકોટના પડધરીમાં 3, અંજારમાં 1, વાંકાનેરમાં 1 લોકોની હત્યાની કબૂલાત કરી હતી.
આ 12 હત્યાની ઘટનામાં સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા તેના જ પરિવારના 3 સભ્યો, જેમાં તેની માતા, કાકા અને દાદીની હત્યાનો પણ સમાવેશ છે.
સોડિયમ નાઇટ્રેટ પાઉડરના સ્વરૂપમાં હોય છે અને જો એને એક ચમચી પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો 20 મિનિટમાં જ મોત થઈ શકે છે.
એકવાર સોડિયમ નાઇટ્રેટ પી લીધું પછી બચવાની સંભાવના રહેતી નથી.
રાજકોટના પડધરી નજીક આવેલા મોટા રામપરા ગામે સરકારી ખરાબાની જમીનમાં GJ.03.BX.285 નંબરની CNG રિક્ષામાં બેભાન હાલતમાં મહિલા સહિત ત્રણ લોકો પડ્યા હોવાની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે રિક્ષામાં બેભાન લોકોને જોતાં 108ને જાણ કરી હતી, જયાં 108ના સ્ટાફે ત્રણેયને તપાસી મૃત જાહેર કરતાં પોલીસે મૃતકોની ઓળખ મેળવવા મોબાઈલ અને રિક્ષા નંબરના આધારે તપાસ હાથ ઘરી હતી.
આ તપાસ દરમિયાન ત્રણેય મૃતક રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા કાદરભાઈ મુકાસમ, તેની પત્ની ફરીદા મુકાસમ અને પુત્ર આસિફ મુકાસમ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક કાદરભાઇ અલ્લીભાઇ મુકાસમ (ઉં.વ.62) પોતે રિક્ષાચાલક હતા, જ્યારે તેના પુત્ર આસિફની ઉંમર 35 વર્ષ છે તેમજ પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જે પણ પોલીસે કબજે કરી હતી.
એમાં આ પગલું તેમણે આર્થિક ભીંસ અને બીમારીના કારણે ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું.
જોકે આરોપી નવલસિંહ ચાવડાએ તેમને ઝેરી પ્રવાહી પીવડાવીને હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી.
આ ઉપરાંત નગમા કાદરભાઈ મુકાસમ નામની યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહના કટકા કરી વાંકાનેરમાં દાટી દીધા હોવાની પણ કબૂલાત કરી હતી, જે અંગે હાલ તપાસ ચાલુ છે.
11 માર્ચ, 2023ના રોજ સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 3 લોકોનાં મોત
સુરેન્દ્રનગરમાં રહેતા દરજી પરિવારના ત્રણ સભ્ય- પતિ-પત્ની અને દીકરીની દુધરેજ નજીક નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી, જેમાં પતિ દીપેશ પાટડિયા (ઉં.વ. 63), પત્ની પ્રફુલાબેન પાટડિયા (ઉ.વ. 54) અને દીકરી ઉત્સવીબેન પાટડિયા (ઉં.વ. 16)ના મૃતદેહ મળ્યા હતો.
જોકે પોલીસે આ મામલે સામૂહિક આપઘાત કર્યો છે કે પછી અકસ્માતે ત્રણેયનાં મોત થયાં છે એ દિશામાં તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન પોલીસને મૃતદેહ પાસેથી માત્ર 1 રૂપિયાનો સિક્કો, બે ચાવીનો ઝૂડા તેમજ જેન્સ્ટ ચપ્પલમાં એક ભરેલી બોટલ મળી હતી.
જોકે પોલીસને આરોપી નવલસિંહ ચાવાડનું એ સમય દરમિયાનનું ટાવર લોકેશન ઘટનાસ્થળની આસપાસ જાણવા મળ્યું છે તેમજ મૃતક દીપેશ પાટડિયા આ નવલસિંહ સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં હતા.
મૃતકનો પરિવાર અંધશ્રદ્ધામાં માનતો હતો તેમજ મૃતકના પરિવાર દ્વારા નવલસિંહ ચાવડા પર શંકા વ્યક્ત કરી હતી.
જેથી આ કેસમાં આરોપી નવલસિંહ ચાવડાની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.
વર્ષ 2021માં અસલાલીના એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો
અસલાલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં વિવેક ગોહિલના યુવકનું મોત થયું હતું.
જેના ભાઈ જિગર ગોહિલને શંકા છે કે તેના ભાઈનું મોત પણ નવલસિંહ ચાવડાના કારણે થયું છે.
મૃતકના પીએમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ-એટેક આવ્યો હતો અને તેના શરીરમાંથી સોડિયમ ક્લોરાઈડની હાજરી પણ મળી આવી હતી જેથી આ કેસમાં આરોપી નવલસિંહ ચાવડાની શંકાસ્પદ ભૂમિકા જણાઈ આવતાં આ અંગે તપાસ ચાલી રહી છે.
માતા, કાકા અને દાદીની પણ હત્યા કરી
આરોપી નવલસિંહ ચાવડાએ સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા 14 વર્ષ પહેલાં દાદી મંગુબેન ભીખુભાઈ તેમજ 11 મહિના પહેલાં તેના કાકા સુરાભાઈ આ ઉપરાંત 9 મહિના પહેલાં પોતાની માતા સરોજબેન કનુભાઈ ચાવડા ઘરકંકાસ અને બીમારીમાં દેખરેખ તેમજ સારવાર ન કરાવવી પડે એને લઈને ત્રણેયની હત્યા કરી હતી. એ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ચામાં સોડિયમ ક્લોરાઇડ પીવડાવી મોત નીપજાવ્યું
જેસલ-તોરલ સમાધિના પૂજારી રાજ બાવાજી નામના શખસ કોવિડ સમયમાં પત્ની સાથે જોડાવવા માટે આવ્યા હતા, જેમાં પૂજારીનાં પત્નીને છાતીમાં ડાઘ હોવાનું તાંત્રિક નવલસિંહ ચાવડાએ જણાવ્યું હતું. એ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને રાજ બાવાજીએ નવલસિંહને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે બાદમાં બંને વચ્ચે સમાધાન કરી નવલસિંહ ચાવડા પૂજારી રાજ બાવાજીના ઘેર ગયો હતો. જ્યાં ચામાં સોડિયમ ક્લોરાઇડ નાખી મોત નીપજાવ્યું હોવાનું જણાવ્યું હતું, જે મામલે હાલ તપાસ ચાલુ છે.