પીપળી ગામે અંગત અદાવતમાં ફાયરિંગ : એક યુવાન ઈજાગ્રસ્ત
વર્ષ 2021માં ઝેઝરી ગામે થયેલી હત્યામાં સંડોવાયેલાં શખ્સ પર ફાયરિંગ થયું
સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી નજરે પડે છે .
જેમાં લુંટ, ફાયરીંગ, હત્યા, ખંડણી સહિતના બનાવોમાં વધારો જોવા મળે છે.
ત્યારે છેલ્લા પંદરેક દિવસથી જિલ્લામાં શાંતિ સ્થપાયા બાદ ફરી એક વખત ફાયરિંગમાં ઘટના સામે આવી છે.
જેમાં પાટડી તાલુકાના પીપળી ગામે એક જ સમાજના બે જૂથોના સભ્યો સામસામે કાર લઈ આવી જતા માથાકુટ થઈ હતી.
જેમાં એક શખ્સે ફાયરીંગ કરતા યુવકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો .
જે બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના ઝેઝરી બે જૂથો વચ્ચે માથાકૂટમાં એક બાદ એક યુવાનોની હત્યા થઈ હતી.
જેમાં ગામે વર્ષ 2021માં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઝેઝરી ગામના મહેબુબખાન દ્વારા સમંદરખાનના પરીવારજનની હત્યા નીપજાવી હતી .
જે બાદ સામે પક્ષે પણ અન્ય એક યુવાનની હત્યા નિપજાવી હતી જે એક બાદ એક હત્યા મામલે સંડોવાયેલ શખ્સોને પોલીસે ઝડપી પણ લીધા હતા.
આ શખ્સો જેલમાં સજા ભોગવી અને સમયાંતરે જામીન પર છુટી પરત આવ્યો હતો .
ત્યારે શનિવારે મોડી સાંજે મહેબૂબખાન યાસીનખાન મલેક તથા તેઓના કાકા પોતાની સ્કોર્પિયો કાર લઈને નિકળા હોય તેવા સમયે પાટડીના પીપળી ખાતે સ્વિફ્ટ કારમાં આવેલ સમનદરખાન કાળુખાન મલેક અને સોયબખાન નશીફખાન મલેક દ્વારા અલગ- અલગ કારમાં સામસામે આવી જતા કાર અથડાઈ હતી .
જેમાં સમંદરખાન દ્વારા અગાઉની હત્યા બાબતે કરેલ ફરિયાદનું મનદુ:ખ રાખી મહેબુબખાન પર ફાયરીંગ કર્યું હતું .
જેમાં યુવાન ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે 108 મારફતે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો .
જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો તેમજ લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.
તેમજ આ ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી હુમલો કરનાર શખ્સને શોધી કાઢવા ચક્રો પણ ગતિમાન કર્યા હતા.