લખતરમાં તસ્કરોનો તરખાટ : સાડીની દુકાનમાં રૂ. ૧.૫૦ લાખની ચોરી , તસ્કરોએ લાઈટના વાયરો કાપીને ચોરીને અંજામ આપ્યો
સુરેન્દ્રનગર જીલ્લાના લખતરના તનમનીયા રોડ પર એક મહિલા સાડીની દુકાન ચલાવે છે.
ત્યારે રાત્રીના આ વિસ્તારની સ્ટ્રીટલાઈટનું દોરડુ કાપીને તસ્કરોએ સાડીની દુકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો.
તસ્કરો દુકાનમાંથી રૂપીયા 1.50 લાખની સાડી ચોરી કરી લઈ જતા ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની સીઝન શરૂ થતા જ તસ્કરોની પણ જાણે સીઝન ખુલી હોય તેમ ચોરીના બનાવો બને છે.
તસ્કરો કળકળતી ઠંડીમાં ચોરીને અંજામ આપી ચોરી કરી રહ્યા છે.
હજુ થાનમાં થોડા દિવસ પહેલા જ રહેણાક મકાનમાં ચોરીની વારદાત બની હતી.
ત્યારે લખતરમાં ચોરીની ઘટના સામે આવી છે.
મળતી માહીતી મુજબ લખતરના તનમનીયા રોડ પર વીજ સબ સ્ટેશન પાસે હંસાબેન અમરશીભાઈ વાઘેલા આશીર્વાદ સાડી વસ્ત્ર ભંડાર નામે દુકાન ચલાવે છે.
ગત મોડી સાંજે તેઓ દુકાન માંગલીક કરીને ઘરે ગયા હતા.
જયારે સવારે આવીને જોતા દુકાનમાં ચોરી થયાની જાણ થઈ હતી.
આથી તેઓએ લખતર પોલીસને કરતા પીઆઈ વાય.પી.પટેલની સુચનાથી સ્ટાફ તુરંત દોડી ગયો હતો.
તપાસ કરતા હંસાબેને દુકાનમાંથી રૂપીયા 1.50 લાખની સાડીઓ ચોરાઈ હોવાનું જણાવ્યુ હતુ.
તસ્કરોએ દુકાન પાસે આવેલ આ વિસ્તારના સ્ટ્રીટલાઈટના દોરડા કાપી નાંખી અંધારૂ કરીને ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસે હંસાબેનના નીવેદનને આધારે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.