આજે ફરી દિલ્હી કૂચ કરશે ખેડૂતો : અંબાલામાં ઈન્ટરનેટ બંધ , બોર્ડર પર સુરક્ષા બંદોબસ્ત
ખેડૂતોએ ત્રીજી વખત શંભુ બોર્ડરથી દિલ્હી સુધી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. જેના માટે શનિવારે બપોરે 12 વાગ્યે ખેડૂતોનું એક જૂથ રવાના થશે. બીજી તરફ હરિયાણાએ પણ ખેડૂતોને રોકવા માટે મજબુત બેરીકેટ્સ બનાવ્યા છે. આંદોલનકારી ખેડૂતો 13મી ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો હવે ટ્રેક્ટર-ટ્રોલી વગર પગપાળા દિલ્હી જવાનો પ્રયાસ કરશે.
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની તબિયત લથડી
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ ખેડૂતોની માંગને લઈને પંજાબ-હરિયાણાની ખાનોરી બોર્ડર પર અનિશ્ચિતકાળના ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસના કારણે તેમની તબિયત સતત બગડી રહી છે. તેઓ 17 દિવસથી વધુ સમયથી ઉપવાસ પર છે. આથી દલ્લેવાલને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, ‘વિરોધ કરી રહેલા ખેડૂતોએ વિરોધની ગાંધીવાદી પદ્ધતિ અપનાવવી જોઈએ.’
સુપ્રીમ કોર્ટે દલ્લેવાલની તબિયત અંગે વ્યક્ત કરી ચિંતા
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દલ્લેવાલની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ડિવિઝન બેંચે કહ્યું કે, ‘દલ્લેવાલને તાત્કાલિક તબીબી સંભાળ આપવી જોઈએ, પરંતુ તેમને ઉપવાસ તોડવા માટે દબાણ ન કરવું. દલ્લેવાલનું જીવન આંદોલન કરતાં વધુ મૂલ્યવાન છે. તેમનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ.’
દલ્લેવાલ 26મી નવેમ્બરથી ઉપવાસ પર છે
પાકની MSP (લઘુત્તમ ટેકાના ભાવ)ની કાયદેસર ગેરંટી સહિત આંદોલનકારી ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર પર દબાણ લાવવા માટે દલ્લેવાલ 26 નવેમ્બરથી પંજાબ અને હરિયાણા વચ્ચેની ખનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર છે.
સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ ખેડૂતો 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પર સુરક્ષા દળોએ ખેડૂતોની દિલ્હી તરફ કૂચ અટકાવ્યા બાદથી કેમ્પ કરી રહ્યા છે.
ખેડૂતોની દિલ્હી કૂચ રોકવા પોલીસની તૈયારી
હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર આજે ત્રીજી વખત ખેડૂતો દિલ્હી માર્ચની તૈયારીમાં છે. 101 ખેડૂતોનું એક જૂથ શંભુથી દિલ્હી તરફ કૂચ કરવા માટે આગળ વધશે, જ્યારે હરિયાણા સરહદ પર પોલીસ અને અર્ધલશ્કરી દળો બેરિકેડ સાથે તૈયાર છે. હરિયાણા પોલીસે ખેડૂતોના દિલ્હી તરફ કૂચ કરવાના બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન છોડવામાં આવેલા ટીયર ગેસના શેલને કારણે ઘણા ખેડૂતો ઘાયલ થયા છે.
હવે જ્યારે ખેડૂતો શનિવારે દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયાર છે ત્યારે પોલીસે પણ તેમને રોકવાની તૈયારી કરી લીધી છે. સુરક્ષાના કારણોસર શંભુ બોર્ડરની આસપાસના ગામડાઓમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ થઈ શકે છે.