વિકાસ કાર્યો સંદર્ભે બેઠક : ચોટીલા ખાતે મંત્રી મુળુ બેરાએ થાનગઢ પાલિકા માં વિકાસ કામોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું
ચોટીલા ખાતે પ્રભારી મંત્રી મુળુ બેરાએ થાનગઢ પાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું
આજરોજ ચોટીલા પ્રાંત કચેરી ખાતે પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુળુ બેરાના અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો અનુસંધાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ નગરપાલિકામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો/માર્ગદર્શન આપ્યા હતા.
બેઠકમાં પ્રભારી મંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, નાણાપંચ, અમૃત 2.0, નલ સે જલ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના કામો, પૂર્ણ કામો અને શરૂ કરવામાં ન આવેલા કામોની સમીક્ષા કરી હતી. વધુમાં તેમણે નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામોની ચીફ ઓફિસર પાસેથી જાણકારી મેળવી આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી. મંત્રીએ નગરપાલિકા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી, યોગ્ય રસ્તાઓ અને ગટર લાઈન, સાફ-સફાઈ જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે તે મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશ શર્મા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.