બજાણા પોલીસ મથકે માતાની પુત્ર વિરૂદ્ધ વિશ્વાસઘાત કર્યાની લેખિત રજૂઆત
અભણ માતાને કોર્ટમાં લઈ જઈ બાનાખાત પર અંગૂઠો કરાવી લીધો
પાટડીના બજાણા પોલીસ મથકે લાચાર માતાની પુત્ર વિરૂદ્ધ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યાનુસાર પાટડી તાલુકાના માલવણ ખાતે માતાને વિશ્વાસમાં લઈને પુત્રે જમીનનો બાનાખત બનાવી નાણાં લઇ વિશ્વાસઘાત કર્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામે રહેતા વૃધ્ધા ઉર્મિલાબેન બાબુભાઈ વાળંદે બજાણા પોલીસ મથકે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યાનુસાર ગત તા. 11-12-2024ના રોજ એમનો પુત્ર દીકરો ભરતભાઈ બાબુભાઈ વાળંદ જે હાલ ધ્રાંગધ્રા તાલુકાના સરા ગામમાં છે.
એણે પોતાની માતા ઉર્મિલાબેન વાળંદને આવીને જણાવ્યું હતું કે, મારી સાથે ચાલ, હું તને આપણી માલવણ ખાતેની જમીનના રૂપિયા અપાવડાવું કહીને પોતાની અભણ માતાને કાંઈ ખબર ન પડતી હોવાથી ફોસલાવીને ધ્રાંગધ્રા કોર્ટમાં લઇ જઈ માલવણ ખાતેની જમીનનો બાનાખત બનાવી માતાની સહી કરાવી લીધી હતી.
માલવણ ખાતેની એ જમીન પર બાનાખત બનાવી સામાવાળી પાર્ટી પાસેથી અંદાજે રૂ. 7 લાખ જેટલી રકમ પણ લઇ લીધી હોવાનું સામે આવ્યું છે.
વધુમાં આ જમીન પર હાલ હક્ક બીજાનો હોવાની સાથે 2021માં હક્કકમીનું સોગંધનામું કરેલું હોવાની સાથે આ તમામ પુરાવાઓ સાથે લાચાર માતા ઉર્મિલાબેન વાળંદે બજાણા પોલીસ મથકે પોતાના જ પુત્ર વિરુદ્ધ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.