નિરાકરણ નહીં આવે તો આવનારી પાલિકાની ચૂંટણીમાં બીજા પક્ષને જીતાડવાનો પ્રયત્ન કરવાની રહીશોની ચીમકી
નગરપાલિકાની કૃપાથી ઘેરઘેર પાણીની મોટર નાખવી પડી : થોન વોર્ડન નં. 5 ના રહીશોએ બળાપો કાઢ્યો
થાન થાનગઢના વોર્ડ નં. 5માં ભદ્ર વિસ્તાર વિરાટનગર 1500થી પણ વધારે વસ્તી ધરાવતો વિસ્તાર છે.
પરંતુ છેલ્લા 6 વર્ષથી વર્ષથી પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે નગરપાલિકાની કૃપાથી દરેક ઘરે મોટર (પાણી)ની ફરજિયાત નાખવી પડે છે.
પાણીની સુવિધાઓ ન મળતા વિસ્તારના મહિલાઓમાં રોષ ફેલાયો હતો.
થાનગઢના વિરાટનગર વિસ્તારમાં 6 વર્ષથી પાણી માટે ખર્ચ કરી પાલિકા દ્વારા ટાંકી ઊભી કરવામાં આવી છે પણ પાણીની ટાંકી હજુ શરૂ થઈ નથી.
કોઈ ધારાસભ્ય કે કોઈ આગેવાન દ્વારા ઉદ્ઘાટનની રાહમાં છે કે શું ? પણ હાલ વિરાટનગર વિસ્તારમાં નગરપાલિકાની કૃપાથી દરેક ઘરે રૂ.1,00,00નો ખર્ચ કરી પાણીની મોટર વસાવો તો પાણી આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
પાલિકાના અણઘટ વહીવટ અને ફોર્સ વિનાના મશીનથી પાણીના સમયે દરેક ઘરે પાણી ખેંચવાની મોટર શરૂ કરીએ તો પીવા માટે, કપડાં, વાસણ ધોવા માટેનું પાણી મળે એવું 21મી સદીમાં જોવા મળી રહ્યું છે.
થોડા દિવસો પહેલા વિરાટનગરમાં લાઈટો બંધ એ અહેવાલ છપાયા બાદ માત્ર 2 લાઈટ શરૂ કરી સંતોષ માનવામાં આવ્યો હતો.
અત્યારે એક શેરીમાં લોક ભાગીદારીથી ખર્ચ કરી, લાઇટોના અજવાળા કરાયા છે.
નગરપાલિકાના અણઘટ વહીવટને કારણે એક જ વોર્ડ નં.5માં 5 અમુક વિસ્તારમાં પાણી આવે ત્યારે નળ નહીં હોવાથી શુદ્ધ પાણી ગટરમાં વહી જાય છે ત્યારે બીજા વિસ્તારમાં પીવાના પાણીના ફાંફાં ઊભા થાય છે.
પાણીના ટેન્કરનો ખર્ચ સામાન્ય પરિવારને પોસાય તેમ નથી પણ પાણી વગર ચાલી ન શકે તો પોતાના પેટનો ખર્ચ બચાવીને તે પાણી મગાવે છે.
વિરાટનગરના પ્રજાજનોમાં એવી વાતચીત શરૂ રહી છે કે, છેલ્લા ઘણા વર્ષોથી થાનગઢ પાલિકામાં અમારા આ વોર્ડમાં ભાજપને ખોબલે – ખોબલે મત આપ્યા છે.
આ વખતે તમામ પરિવારે નક્કી કર્યું છે કે જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયમાં પાલિકાની ચૂંટણીમાં બીજા પક્ષને મત આપીશું.