સુરેન્દ્રગરના મલ્હાર ચોકમાં પાણી મુદ્દે મહિલાઓની પાલિકામાં રજૂઆત
યોગ્ય નિકાલ નહીં કરાય તો આંદોલન કરવાની વિસ્તારના લોકોની ચીમકી
સુરેન્દ્રનગર શહેરના મલ્હાર ચોક વિસ્તારમાં પાણીના પ્રશ્ને લોકો પરેશાન છે.ત્યારે રોષે ભરાયેલા મહિલાઓએ પાલિકા કચેરીએ ધસી જઇ સમસ્યા હલ કરવામાંગ કરી હતી. સુરેન્દ્રનગર-દૂધરેજ- વઢવાણ સંયુક્ત પાલિકાના વિવિધ વિસ્તારોમાં નિયમિત પાણી પીવાનું ન મળતું હોવાની બુમરાડો ઊઠી છે. ત્યારે શહેરમાં મલ્હાર ચોક વિસ્તારના દરજીવાડી સહિત શેરીના ઘરોમાં નિયમિત પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓ રજૂઆત કરવા માટે પાલિકા કચેરી ધસી ગઇ હતી. જ્યાં પીવાનું પાણી નિયમિત ન મળતું હોવાથી વેચાતું પાણી ખરીદવું પડે છે તેવી રજૂઆતો કરી હતી. ત્યારે જો શિયાળામાં પાણીના વિતરણની આવી સમસ્યા છે તો ઉનાળામાં શું સ્થિતિ થશે. આથી તાત્કાલિક પાણી વિતરણ કરાવવા માગ કરવામાં આવી હતી. જો તેમ નહીં કરાય તો આંદોલન કરવાની વિસ્તારના લોકોએ ચીમકી આપી હતી.