ગાબા ટેસ્ટ ડ્રો તરફ , ચોથા દિવસના અંતે ભારતના ૯ વિકેટે ૨૫૨ રન , રાહુલ-જાડેજાની અડધી સદી

ગાબા ટેસ્ટ ડ્રો તરફ, ચોથા દિવસના અંતે ભારતના ૯ વિકેટે ૨૫૨ રન , રાહુલ-જાડેજાની અડધી સદી

ઓસ્ટ્રેલિયામાં હાલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાઈ રહી છે. ગાબા ટેસ્ટના ચોથો દિવસે રવીન્દ્ર જાડેજા અને આકાશ દીપની જોડીએ ભારતને ફોલોઓન થયા બચાવી લીધું હતું. જેથી કરીને હવે આ ટેસ્ટ મેચ ડ્રો થવાની સંભાવના વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ પહેલી ઇનિંગમાં 193 રનથી આગળ છે. ચોથા દિવસના સ્ટમ્પ થયા સુધીમાં ભારતીય ટીમનો સ્કોર 252/9 રહ્યો હતો.

આકાશ દીપે ચોગ્ગો ફટકારી ભારતને ફોલોઓનથી બચાવ્યું

આકાશ દીપ (27) અને જસપ્રિત બુમરાહ (10) રન કરી હાલ ક્રિઝ પર બેટિંગ કરી રહ્યા છે. બંને વચ્ચે 39 રનની ભાગીદારી થઈ છે. ભારતને ફોલોઓનથી બચાવવા માટે 246 રન બનાવવાની જરૂર હતી. આકાશ દીપે ચોગ્ગો ફટકારીને ભારતને બચાવી ફોલોઅન થતાં બચાવી લીધું હતું. ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. હવે ગાબા ટેસ્ટના પાંચમા દિવસની રમત 18મી ડિસેમ્બરથી શરુ થશે, જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગ કરવા ઉતરશે.

રાહુલ અને જાડેજાની અડધી સદી

ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 51 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના ટોપ ઑર્ડરના ખેલાડીઓ વિરાટ કોહલી, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ચોથા દિવસે ભારતે 51 રનના સ્કોર સાથે પોતાની ઇનિંગ આગળ ધપાવી હતી. પરંતુ કૅપ્ટન રોહિત શર્મા માત્ર 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને રિષભ પંત પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. પરંતુ અહીંથી કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ ટીમની કમાન સંભાળી હતી. રાહુલે 84 રન જ્યારે જાડેજાએ 77 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

જાડેજાએ અન્ય ખેલાડીઓ સાથે કરી મહત્ત્વપૂર્ણ ભાગીદારી 

એક સમયે ભારતની 74ના સ્કોર પર 5 વિકેટ પડી ગઈ હતી. આ સ્થિતિમાં ટીમને ફોલોઓનથી બચાવવાનું જોખમ હતું. આવી સ્થિતિમાં રાહુલ અને જાડેજા વચ્ચે 67 રનની ભાગીદારીએ ભારતીય ટીમને મેચમાં પરત લાવી હતી. રાહુલના આઉટ થયા બાદ જાડેજાએ નીતિશ રેડ્ડી સાથે 53 રનની ભાગીદારી કરી હતી. આ બંનેની ભાગીદારી થઈ હોવા છતાં એક સમયે ભારતીય ટીમે 213ના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી અને હજુ પણ ફોલોઓનથી બચવા માટે 33 રન બનાવવાના હતા.

બોલરોએ સંભાળી મેચની કમાન 

જસપ્રિત બુમરાહ અને આકાશ દીપ 10મા અને 11મા ક્રમેં બેટિંગ કરવા આવ્યા છતાં તેમણે ભારતની ઇનિંગ સંંભાળી હતી. ચોથા દિવસના અંત સુધીમાં આકાશ દીપ 27 રન અને જસપ્રિત બુમરાહ 10 રન બનાવીને અણનમ રહ્યા હતા. તેમની 39 રનની ભાગીદારીએ બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતને હજુ સુધી જીવંત રાખ્યું છે. જો ફોલોઓનને ટાળવામાં ન આવ્યું હોત, તો ઓસ્ટ્રેલિયન ટીમ મેચમાં સંપૂર્ણ રીતે પોતાનું વર્ચસ્વ જમાવી લેત, જેના કારણે ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ફટકો પડ્યો હોત.

ગાબામાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો હાર-જીતનો રૅકોર્ડ 

અગાઉ બ્રિસ્બેનના ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ રમાઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમ 5 મેચ હારી હતી અને એક મેચ ડ્રો રહી હતી. ગાબા ખાતે ભારતીય ટીમે ટેસ્ટમાં એકમાત્ર જીત જાન્યુઆરી 2021માં મેળવી હતી. તે સમયે અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર