ઔડા ની પોલ ખુલી, ૮૦ કરોડના ખર્ચે બનેલા ઘુમા-શીલજ ઓવરબ્રિજના છેડે રસ્તો નહીં દીવાલ

ઔડા ની પોલ ખુલી, ૮૦ કરોડના ખર્ચે બનેલા ઘુમા-શીલજ ઓવરબ્રિજના છેડે દીવાલ

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ હજુ ભૂલાયુ નથી ત્યારે બોપલ- ઘુમા-શિલજમાં પણ રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી છે. 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલાં ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી. આ બ્રિજના છેવાડે રહેણાંક વિસ્તારની દીવાલ છે, જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનારાં વાહનચાલકો આગળ કેવી રીતે જશે એ સવાલ ઊભો થયો છે. એટલું જ નહીં, આ ઓવરબ્રિજને જોતાં ઔડાની ઇજનેરી કુશળતા છતી થઈ છે.

ઔડા ની પોલ ખુલી, ૮૦ કરોડના ખર્ચે બનેલા ઘુમા-શીલજ ઓવરબ્રિજના છેડે દીવાલ

શું છે સમગ્ર ઘટના?

અમદાવાદમાં 80 કરોડના ખર્ચે ઘુમા-શિલજને જોડતો રેલવે ઓવરબ્રિજ તૈયાર થઈ રહ્યો છે. છેલ્લાં પાંચેક વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. રેલવે ઓવરબ્રિજની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે, પરંતુ હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી છે. તેનું કારણ છે કે, બ્રિજના છેડે જઈ શકાય તેવી કોઈ સ્થિતિ જ નથી. શિલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી 30 ફૂટના અંતરે દીવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. પરિણામે વાહનો કેવી રીતે અવરજવર કરશે તે પ્રશ્ન છે. બ્રિજ પૂરો થયા બાદ માત્રને માત્ર 10-12 ફૂટનો સાંકડો રસ્તો છે, જેથી બ્રિજ પરથી શિલજ તરફ વાહનો કેવી રીતે જશે તે મોટો પ્રશ્ન છે. આ ઓવરબ્રિજે ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી છે.

અધિકારીઓનું અણધડ આયોજન

અણધડ આયોજનને કારણે હવે રેલવે ઓવરબ્રિજ શરૂ થઈ શકે તેમ નથી. અધિકારીઓનું કહેવું છે કે, શિલજ તરફ જવા માટે 45 મિટરના રોડ માટેની પ્રક્રિયા કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી તેમ છતાં હજુ સુધી કોઇ ઠેકાણા નથી. મહત્ત્વની વાત તો એ છે કે, બ્રિજના છેવાડાનો ભાગ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેવું પણ જાણવા મળ્યું છે, ત્યારે રોડ માટે ઝોનમાં પણ ફેરફાર કરવો પડે તેમ છે. આ ઝોન ફેરફાર માટેની પ્રક્રિયા પછી રોડ બની શકશે. આ જોતાં ઘુમા-શિલજ બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર તો થઈ ગયો છે પણ હવે વાહનચાલકોએ તે ઉપયોગી બને તે માટે હજુ રાહ જોવી પડશે.

નોંધનીય છે કે, ઘુમા-શિલજ રેલવે ઓવરબ્રિજ કોઈપણ પ્લાનિંગ વિના નિર્માણ કરાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ બ્રિજના નિર્માણ પહેલાં જ સરવેની કામગીરી થઈ જવી જોઈએ. હાલ, આ ગોટાળાને કારણે બ્રિજની કામગીરી ક્યારે પૂરી થશે અને ક્યારે તેનું ઉદ્ઘાટન થશે તે વિશે કંઈ કહી શકાય તેમ નથી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર