પોરબંદર : પૂર્વ ધારાસભ્યના પુત્ર ડો. આકાશ રાજશાખાએ ફેક આઈડી મામલે નોંધાવી પોલીસ ફરિયાદ
પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાના પુત્ર ડો. આકાશ બી. રાજશાખાએ ફેક આઈડી મારફત ખોટા આક્ષેપો અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ડો. આકાશ રાજશાખા પોરબંદરના વાડી પ્લોટ-5 ખાતે આકાશ બંગલામાં રહે છે .
ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકાર તરીકે નામના ધરાવે છે.
તેઓએ ઉત્તર પ્રદેશમાં ઇન્વેસ્ટ યુ.પી. માધ્યમથી વર્ષ 2024માં યોજાનારી મોટર જી.પી. રેસ માટે ટેન્ડર રજૂ કર્યું હતું.
તેમની ફરિયાદ મુજબ, 16 ડિસેમ્બરના રોજ બે કંપનીઓ સાથે મળીને ટેન્ડર સબમિટ કર્યા બાદ, તે જ દિવસે સાંજે અજાણ્યા શખ્સે “અમીત સેન્ડીલ” નામની ઈમેલ આઈડી પરથી ઇન્વેસ્ટ યુ.પી.ના ઓફિશિયલ આઈડી પર ઈમેલ મોકલી હતી.
આ ઈમેલમાં ડો. આકાશના અગાઉના સંબંધિત કંપની “ફેર સ્ટ્રીટ સ્પોર્ટસ પ્રાઈવેટ લિમિટેડ” સાથેના કિસ્સાઓનો ખોટો ઉલ્લેખ કરીને, તેમના ટેન્ડર રદ કરવા માટે દબાણ લાવવાની કોશિશ થઈ હતી.
હકીકતમાં, ડો. આકાશે આ કંપનીમાંથી 10 ડિસેમ્બર 2024ના રોજ અધિકૃત રીતે રાજીનામું આપી દીધું હતું, જે મંજૂર પણ થઈ ગયેલું હતું.
તેમ છતાં, ફેક આઈડીનો ઉપયોગ કરીને તેમના અને સરકારે વચ્ચે ગેરસમજ ઉભી કરવાની કોશિશ કરાઈ હતી.
ડો. આકાશે ફરિયાદમાં જણાવ્યું કે આ કૃત્યના કારણે તેમને આર્થિક નુકસાન અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાને ધકકો પહોંચાડી શકાય છે.
પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ઇગજ ની કલમ 336(4),340 અને આઇ.ટી એક્ટ 66(સી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહ્યું છે.
આ બનાવથી શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને પોલીસ આ મામલે વધુ માહિતી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.