કચ્છ : એક આગવી સાંસ્કૃતિક ધરોહર ધરબી બેઠેલા કચ્છ જિલ્લામાં હવે વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. આજે જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં હસ્તકળા માટે જાણીતા ભુજોડી ગામની કિશોરીએ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કચ્છી શાલના કારીગરની પુત્રીએ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર જિલ્લામાં ટોપ કર્યું હતું અને હવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રે કાઠું કાઢશે.
માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષા પરિણામ આજે જાહેર થયા છે. સમગ્ર કચ્છ જિલ્લામાં 1353 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં જિલ્લાનું પરિણામ 70.88 ટકા રહ્યું હતું. સમગ્ર જિલ્લામાં 17 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થાય હતા, તો માત્ર બે જ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતા.
કચ્છી હસ્તકલા વચ્ચે મોટી થયેલી છે આ દીકરી
આ બે વિદ્યાર્થીઓમાંથી એક છે કચ્છી હસ્તકલા માટે પ્રખ્યાત ભુજોડી ગામની નિયતિ સીજુ. કારીગરોના ગામની આ કિશોરી પોતે પણ કચ્છી શાલના જાણીતા કારીગર શામજી સીજુની પુત્રી છે. કચ્છી હસ્તકલા વચ્ચે મોટી થયેલી આ દીકરીએ ધોરણ 12 સાયન્સમાં 650માંથી 606 ગુણ મેળવી 99.98 ટકા પર્સેન્ટાઇલ રેન્ક સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નિયતિના શામજીભાઈ અને દાદા વિશ્રામભાઈ ફક્ત ભુજોડી નહીં પરંતુ સમગ્ર કચ્છમાં નામના ધરાવતા કચ્છી શાલના કારીગર છે.
પરિણામ બાદ હવે નિયતિ કોમ્પ્યુટર એન્જિનિયરીંગ કરવાની ઈચ્છા ધરાવે છે
કચ્છી હસ્તકલા વચ્ચે મોટી થયેલી આ દીકરીએ પરિવારના વ્યવસાયથી અલગ જઈ વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યું હતું અને સમગ્ર જિલ્લામાં ટોપ પણ કર્યું. હવે નિયતિ કમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવી કોડિંગ લેન્ગવેજ શીખી વેબ ડેવલપમેન્ટની દુનિયામાં નામના મેળવવા ઈચ્છે છે. ધોરણ 12ના પરિણામ બાદ હવે નિયતિ કોમ્પ્યુટર એન્જિનિયરીંગ માટે એડમિશન લેશે.
News18 સાથે વાત કરતા નિયતિએ જણાવ્યું હતું કે, બાળપણથી જ ગણિત અને વિજ્ઞાન તેના રસના વિષયો હતા અને તે કારણે જ ધોરણ 10 બાદ વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યું હતું. “કારીગરોના પરિવારમાંથી હોતાં અમારા પરિવારમાં આ એક ડાયવર્ઝન આવ્યું છે અને પરિવારે પણ મારા આ સાહસમાં ખૂબ સપોર્ટ કર્યું છે.” નિયતિએ પરિણામની ખુશી અનુભવતા જણાવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર