અમદાવાદમાં બુટલેગરોને પોલીસે સ્કૂલવાનમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપી લીધા
- દારૂની હેરફેર માટે વધુ એક મોડ્સ ઓપરેન્ડી
- ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડના સ્ટાફે દારૂ-બિયરના જથ્થા સાથે પાંચ લોકોની ધરપકડ કરી કાર્યવાહી કરી
શહેરના ખાનપુર વિસ્તારમાં ડીસીપી ઝોન-2ના સ્ક્વોડ દ્વારા ખાનપુર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા બે લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે.
આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા અને હેરફેર કરવા માટે દારૂનો જથ્થો સ્કૂલ વાનમાં છુપાવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ડીસીપી ઝોન-2ના સ્ક્વોડના પીએસઆઇ કે ડી પટેલ, હેડ કોન્સ્ટેબલ સફીક અહેમદ સીરાજ અહેમદ સહિતનો સ્ટાફ ખાનપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ખાનપુર કકડવાડની ગલી પાસે આવેલી બિલ્ડીંગમાં રહેતા ફહીમઉલ્લા પઠાણ, મહંમદ યુુસુફ શેખ ,મોઇનખાન પઠાણ કલ્યાણીવાડ પથ્થરવાળી મસ્જિદ, ખાનપુર) અને શોહેલ ખાન પઠાણે દારૂનો જથ્થો સ્ટોર કર્યો છે.
જે બાતમીને આધારે પોલીસે તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વધુ પુછપરછ કરતા તેમણે કબુલ્યુ હતું કે બિલ્ડીંગ બહાર પાર્ક કરેલી સ્કૂલવાનમાં વધુ દારૂ છુપાવ્યો છે. તપાસ કરતા તેમાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્કૂલવાનનો ઉપયોગ દારૂનો જથ્થો લાવવા અને સપ્લાય કરવામાં થતો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.