સુરતમાં એકાએક ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યુ ને એક પછી એક ૨૦ મહિલાઓ બેભાન થઇ ગઇ
એકાએક 20 જેટલી મહિલાઓ બેભાન થઇ જતાં તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી અને બુરહાની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
નુરપુરા ઇમારતના બેઝમેન્ટ હોલમાં જમણવાર ચાલી રહ્યો હતો
સફોકેશન અને ઓક્સિજન લેવલ ઘટી જતા મહિલાઓ બેભાન થઇ
સુરતના ઝાંપાબજાર દેવડી પાછળ નુરપુરાના બેઝમેન્ટમાં એક હોલ આવેલો છે. જ્યાં એકાએક ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું. જેના કારણે સફોકેશન થતાં એક પછી એક 20 જેટલી મહિલાઓ બેભાન થઇને ઢળી પડી હતી.
બનાવના પગલે રાત્રે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાંથી 10 મહિલાઓને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, નુરપુરા ઇમારતમાં બેઝમેન્ટમાં એસી હોલ બનાવવામાં આવ્યો છે. જેને દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીના જમણ માટે ભાડે રાખવામાં આવ્યો હતો. જમણવારમાં નોનવેજ સિઝલર પીરસવામાં આવ્યું હતું. જે દરમિયાન સિઝલરનો ધુમાડો બેઝમેન્ટના હોલમાં ફરી વળ્યો હતો. જેના કારણે ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. હાજર મહિલાઓને સફોકેશન થવા લાગ્યું હતું. જોત જોતામાં 20થી 30 જેટલી મહિલાઓ ભોજન દરમિયાન જ બેભાન થઇ ગઇ હતી. જેના પગલે અફરા-તફરી મચી ગઇ હતી.
બનાવના પગલે તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી અને 108ની ટીમ મહિલાઓને બુરહાની હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં સફોકેશન અને ઓક્સિજન લેવલ ઘટી જવાના કારણે મહિલાઓ બેભાન થઇ ગઇ હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 20માંથી 10 મહિલાઓને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.