‘છોકરીઓના શિક્ષણ માટે ૫ વર્ષનો પગાર દાન કરીશ..’ બિહારના યુવા મહિલા સાંસદનું મોટું એલાન
દેશમાં સરકાર દ્વારા છોકરીઓના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે દિકરીઓ માટે વ્યક્તિગત સ્તરે પણ નેતાઓ દ્વારા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. બિહારના યુવા લોકસભા સાંસદ શાંભવી ચૌધરીએ આવું જ પગલું ભર્યું છે.
લોક જનશક્તિ પાર્ટીના છે સાંસદ
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સાંસદ શાંભવી ચૌધરીએ એક મોટી જાહેરાત કરી હતી કે હું મારા લોકસભા મતવિસ્તાર સમસ્તીપુરમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મારો સમગ્ર પાંચ વર્ષના કાર્યકાળનો પગાર દાન કરીશ.
કોણ છે શાંભવી ચૌધરી?
શાંભવી ચૌધરી કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સાંસદ છે. તે બિહારની સમસ્તીપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરી રહી છે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પીએમ મોદીએ પણ શાંભવી ચૌધરીના વખાણ કર્યા હતા. તેમણે શાંભવીને એનડીએની સૌથી યુવા ઉમેદવાર ગણાવી હતી.
શિક્ષણ અભિયાન શરૂ કર્યું
શાંભવી ચૌધરીએ કહ્યું છે કે મારા 5 વર્ષના પગારનો ઉપયોગ ‘પઢેગા સમસ્તીપુર તો બઢેગા સમસ્તીપુર’ નામના અભિયાનમાં કરવામાં આવશે. પાંચ વર્ષ દરમિયાન મને પગાર તરીકે જે પૈસા મળશે તે આર્થિક સંકડામણના કારણે અભ્યાસ છોડી દેતી છોકરીઓને મદદ કરવાના હેતુથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં ખર્ચવામાં આવશે.