સુરેન્દ્રનગરનો એકયુઆઈ ૧૦૦ ને પાર : ઔદ્યોગિક ધુમાડા, રજકણ, રસ્તા પરની ધૂળ જોખમી : ઉધરસ, ગળું દુ:ખવાની ફરિયાદો
સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 117 રહ્યો હતો. આમ જિલ્લામાં પ્રદૂષણનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની આસપાસ આવેલા એકમોમાંથી નીકળતા ધુમાડા, રજકણ તેમજ રસ્તાઓ પરની અવારનવાર ઉડતી ધૂળના કારણે લોકોને પણ શિયાળાની સિઝનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આવી સ્થિતિના કારણે શ્વાસ સંબંધી મુશ્કેલીઓ તેમજ ઉથરસ અને ગળામાં દુ:ખાવાની ફરિયાદો લોકોમાં ઊઠી રહી છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની નજીકમાં જ જીઆડીસી વિસ્તાર આવેલો હોવાથી અંદાજે 700થી વધુ ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. આથી 4000થી વધુ ટ્રક સહિતના વાહનોની અવરજવર રહે છે. ખખડધજ રસ્તાઓ પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આવેલા છે. જેના કારણે માટી તેમજ ધૂળની રજકણોનું સામ્રાજ્ય સર્જાઇ રહ્યું છે. જિલ્લામાં પણ આ પ્રદૂષણનું દૂષણ ધીરે ધીરે વધતું જાય છે. શનિવારે જિલ્લાના પ્રદૂષણ અંગેના આંકડમાં 117એ એરક્વોલીટી ઇન્ડેક્સનો આંક પહોંચી ગયો હતો.
પરિણામે શિયાળાની સિઝનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિના કારણે શ્વાસ સંબંધી મુશ્કેલીઓ તેમજ ઉથરસ અને ગળામાં દુ:ખાવાની ફરિયાદો લોકોમાં ઊઠી રહી છે. બીજી તરફ આ પ્રમાણ જો 0થી 50 હોય તો સારું ગણવામાં આવે છે. જ્યારે 51થી 100 હોય તો મધ્યમ, 101થી 150 સુધીનું હોય તો બિનઆરોગ્યપ્રદમાં આવે છે.
ઉપરાંત જો 151થી 200 હોય તો બિનઆરોગ્યપ્રદ, 201થી 300 હોય તો અતિ બિનઆરોગ્યપ્રદ તેમજ 300થી 500 એરક્વોલીટી ઇન્ડેક્સનું પ્રમાણ હોય તો જોખમકારક માનવામાં આવે છે. જ્યારે ધૂળમાં રહેલા જોખમી રજકણ કે જે 2.9 pm તરીકે ઓળખવામાં આવે છે. તેનું સ્તર ચિંતાજનક રીતે વધી જાય તો શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે.