યુક્રેન સામે લડવા કીમ જોંગની સેના રશિયા પહોંચી. રશિયાને યુદ્ધમાં લડવા માટે આપશે ૧૨૦૦૦ સૈનિકો
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે હવે આ યુદ્ધમાં ત્રીજા દેશની એન્ટ્રી થવાનો દાવો સામે આવતા ખળભળાટ મચ્યો છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ કહ્યું છે કે, ઉત્તર કોરિયાના તાનાશાહ કિન જોન ઉન , યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ને મદદ કરશે અને ૧૨૦૦૦ સૈનિકો મોકલશે.
યુક્રેન સામે લડવા ઉ.કોરિયાના ૧૦ હજાર સૈનિકોને તાલીમ
આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી એ દાવો કર્યો હતો કે, અમારા દેશ સામે લડવા માટે ઉત્તર કોરિયા ૧૦ હજાર સૈનિકોને તાલીમ આપી રહ્યું છે. કેટલાક ઉત્તર કોરિયન સૈનિકોને તહેનાત પણ કરી દેવાયા છે. આ દાવા બાદ રશિયા-યુક્રેન યુદ્ધમાં ત્રીજા દેશની એન્ટ્રી થઈ શકે છે. જો આવું તશે તો ઉત્તર કોરિયા અને પશ્ચિમ વચ્ચે તણાવ વધી શકે છે.
ઉત્તર કોરિયાના ૧૫૦૦ સૈનિકો મોકલાયા
દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય ગુપ્તતચર સેવા એ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘રશિયન નૌકાદળના જહાજોથી આઠથી ૧૩ ઓક્ટોબર વચ્ચે ઉત્તર કોરિયાના વિશેષ ઓપરેશન દળના ૧૫૦૦ સૈનિકોને મોકલવામાં આવ્યા છે. આ સૈનિકોને રશિયાના બંદર વ્લાદિવોસ્તોક મોકલવામાં આવ્યા છે. ટુંક સમયમાં ઉત્તર કોરિયાના વધુ સૈનિકોને રશિયામાં મોકલવાની સંભાવના છે.
રશિયા પહોંચ્યા ઉ.કોરિયાના સૈનિકો
એનઆઈએસના નિવેદન મુજબ ઉત્તર કોરિયાના સૈનિકોને રશિયન વર્દી, હથિયાર અને નકલી ઓળખ ડોક્યુમેન્ટ અપાયા છે. હાલ આ સૈનિકોને વ્લાદિવોસ્તોક સહિત અન્ય રશિયન સેનાના ઠેકાણાઓ પર રખાયા છે, જેમને તાલીમ આપ્યા બાદ યુદ્ધમાં મોકલવાની સંભાવના છે.
ઉત્તર કોરિયા ૧૨ હજાર સૈનિકોને રશિયા મોકલશે
દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયાએ કુલ ૧૨ હજાર સૈનિકોને રશિયા મોકલવાનો નિર્ણય કર્યો છે. જોકે એનઆઈએસએ આ અહેવાલોની પુષ્ટી કરી નથી. બીજીતરફ રશિયાના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અમારો દેશ વ્યૂહાત્મક પરમાણુ દળોના મિસાઈલ યુનિટની તૈયારીનું પરીક્ષણ કરી રહ્યું છે.