તિરુવેલી-જામનગર ટ્રેનમાંથી બિનવારસી દારૂની ૩૪૮ બોટલ ઝડપાઇ
– સુરેન્દ્રનગરમાંથી પસાર થતી ટ્રેનમાં દારૂની હેરાફેરી વધી
– ટ્રેન પુલિંગ થતાં ટીટીએ તપાસ હાથ ધરતા ભાંડો ફૂટયો, 22 હજારનો દારૂ કબજે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી તિરુવેલી-જામનગર ટ્રેનમાંથી બિનવારસી ૪ અલગ અલગ થેલામાંથી વિદેશી દારૂની ૩૪૮ બોટલ મળી આવી હતી. ૨૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી સુરેન્દ્રનગર રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી તિરુવેલી-જામનગર ટ્રેનમાં ચેઇન પુલીંગનો બનાવ બન્યો હતો. બનાવ અંગે ટીટીએ ચેકિંગ હાથ ધરતાં ટ્રેનમાં બિનવારસી હાલતમાં પાન મસાલાના થેલા મળી આવ્યા હતા. ટીટીએ આ થેલા ખોલીને ચેક કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૪૮ વિદેશી દારૂની બોટલ (કિં.રૂ. ૨૨,૨૬૦) મળી આવી હતી. સુરેન્દ્રનગર રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસની હાથ ધરી છે. નોંધનીય છે કે ટ્રેનમાં પુલિંગ કરી ગુજરાતના શહેરોમાં દારૂ ઘુસાડવાના અગાઉ ઘણી ઘટના સામે આવી ચુકી છે.