નશેડી રીપલ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાની કુટેવ ધરાવે છે, પોલીસ તપાસમાં ખુલી કુંડળી
https://x.com/DhwaniRohini/status/1860927187274404276
આજે વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલીંગ સાથે અથડાતાં રોકાઇ ગઇ હતી. ત્યારબાદ હાજર લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. જોકે પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી કારચાલકનું નામ રીપલ પંચાલ છે, અકસ્માત સર્જનાર કાર શેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડના નામે છે. આરોપી પહેલાં પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે. પોલીસ તપાસમાં તેની કરમ કુંડળીનો પર્દાફાશ થયો છે.
અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક પોલીસ એસીપી ડી.એસ. પુનડિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી રીપલ પંચાલનું લાઇસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવશે. હાલ તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે તેણે આલ્કોહોલ કે અન્ય કોઇ પ્રકારના નશાનું સેવન કર્યું હતું. આરોપી રીપલ પંચાલ અગાઉ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે, અગાઉ કરેલા અકસ્માતોની તપાસ ચાલુ છે.
બે મહિલા પહેલાં જ નોંધાયો હતો ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો કેસ
રીપલ પંચાલ પહેલાંથી જ નશાનો આદી રહ્યો છે. ગત 16 નવેમ્બર 2024ના રોજ સાંજના 6:30 વાગે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે લાલ કલરની જીપ કમ્પાસ GJ-18-BJ-6780 નંબરની ગાડી સર્પાકાર રીતે હંકારતાં જોઇ હતી. જેથી પોલીસે તેને ઉભી રાખી રાખી પૂછપરછ કરતાં તેના મોંંઢામાંથી કેફી પીણાની તિવ્ર વાસ આવતી હતી. તે સ્થિર ઉભો પણ રહી શકતો ન હતો. તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ રીપલ મહેશભાઇ પંચાલ (ઉ.વ.42 ) મ. નં-એ/35 તુલીપ બંગ્લોઝ વિભાગ-01 સુરધારા સર્કલ પાસે થલતેજ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની પાસે દારૂની પરમિટ માંગી તો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 66 (1) બી અને એમ.વી. એક્ટ કલમ 185 અંતગર્ત ફરિયાદ દાખલ કરી હતી.
બેશરમ આરોપી રીપલ પંચાલને અકસ્માતનો નથી અફસોસ
બોપલ-આંબલી વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપી રીપલ પંચાલને હજુ પણ નશામાં ધૂત જોવા મળ્યો હતો. મીડિયા દ્વારા ઘટના અંગે સવાલ કરવામાં આવતાં તેણે રૌફ જમાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારો વકીલ જવાબ આપશે. તેને વારંવાર સવાલમાં કરવામાં આવ્યા હતા કે તમને ખબર છે કે તમે અકસ્માત સર્જ્યો છે? તમે નશામાં છો? તેણે માથું હલાવીને ના પાડી હતી અને કહ્યું હતું કે હું નોર્મલ છું. તેને પૂછવામાં આવ્યું હતું કે અકસ્માત સર્જ્યો છે તેનો તેને અફસોસ છે? તો તેણે ખૂબ જ નફ્ફટાઇપૂર્વક જણાવ્યું હતું કે મને જરા બી અફસોસ નથી.