જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આતંકી હુમલામાં વધુ બે જવાન શહીદ, ડ્રોનથી સર્ચ ઓપરેશન
– જમ્મુ-કાશ્મીરમાં ટેરર ઈકોસિસ્ટમ તોડી પાડવા પર આર્મીની નજર
– આ વર્ષે ઉનાળામાં આતંકીઓના જૂથે અફ્રાવત રેન્જના પર્વતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરીને આશરો મેળવ્યો હોવાના અહેવાલો
શ્રીનગર-ઉધમપુર : જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે પોર્ટરનાં મોત નીપજ્યાં હતા તેમજ ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં શુક્રવારે ઈજાના કારણે વધુ બે જવાનો શહીદ થતા કુલ મૃત્યુઆંક છ થયો છે. આતંકીઓએ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની ઉત્તરે પ્રવાસી સ્થળ ગુલમર્ગમાં જવાનોના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી ભારતીય સૈન્યે હેલિકોપ્ટર અને ડ્રોન મારફત આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ભારતીય સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૈન્યનું વાહન અફ્રાવત રેન્જમાં નાગિન પોસ્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે આતંકીઓએ બોટા પથ્રીમાં પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ વિસ્તાર સંપૂર્ણપણે આર્મીના તાબામાં છે. જોકે, આ વર્ષે ઉનાળામાં કેટલાક આતંકીઓના એક જૂથે અફ્રાવત રેન્જના પર્વતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરીને આશરો મેળવ્યો હોવાના અહેવાલો હતા. બોટા પથ્રી વિસ્તાર થોડા સમય પહેલાં જ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો હતો.
દરમિયાન સુરક્ષા દળોએ શુક્રવારે અંકુશ રેખા નજીક વ્યાપક સર્ચ અભિયાન હાથ ધર્યું હતું. આતંકીઓને ઝડપી લેવા માટે હેલિકોપ્ટર્સ અને ડ્રોનનો પણ ઉપયોગ લેવાયો હતો. ભારતીય સૈન્યે આ વિસ્તારમાં આતંકીઓની ઈકોસિસ્ટમ તોડી પાડવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આતંકી હુમલાની નજીકના સ્થળો અને અંકુશ રેખા પરના વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે.
નોર્ધર્ન આર્મીના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારે કહ્યું કે, હુમલાની આજુબાજુના માર્ગો બંધ કરી દેવાયા છે. શહેરમાં ફરી શરૂ કરવામાં આવેલી ગોન્ડોલા રોપવે સર્વિસ તકેદારીના ભાગરૂપે થોડાક કલાકો માટે બંધ કરી દેવાઈ હતી. જોકે, સ્કી-રીસોર્ટ તરફ પ્રવાસીઓની હિલચાલ સરળતાથી ચાલુ રહી હતી.
શાસકપક્ષ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાહે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન મિત્રતાના માર્ગે આગળ વધવાનો કોઈક રસ્તો શોધી ના કાઢે ત્યાં સુધી આ પ્રકારના હુમલા ચાલુ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર સરકારે આતંકી હુમલામાં માર્યા ગયેલા બે પોર્ટર ચૌધરી મુશ્તાક અહેમદ અને ઝહૂર અહેમદ મીરના પરિવારજનોને રૂ. ૬-૬ લાખના વળતરની જાહેરાત કરી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ : સૈન્ય
જમ્મુ-કાશ્મીરમાં 720 આતંકી ઠાર કર્યા, 130ની શોધ ચાલુ
જમ્મુ-કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગ રિસોર્ટ નજીક આતંકી હુમલાના પગલે શુક્રવારે શ્રીનગરમાં સુરક્ષાદળોની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠક પછી ઉત્તરી સૈન્ય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમ.વી. સુચિન્દ્ર કુમારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે. છેલ્લા પાંચ વર્ષોમાં સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં ૭૨૦ આતંકીઓનો સફાયો કરી દેવાયો છે જ્યારે બાકીના ૧૨૦થી ૧૩૦ આતંકીઓની શોધ હજુ ચાલુ છે. અંકુશ રેખા પર ઘૂસણખોરી વિરોધી ગ્રીડ અને આંતરિક વિસ્તારોમાં કેન્દ્રીત આતંકવાદ વિરોધી અભિયાનોએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને વિકાસનું વાતાવરણ જાળવી રાખવામાં સફળતા હાંસલ થઈ છે.